મુખ્ય સામગ્રી પર જાઓ

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન

‘સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી વડોદરા’ના સંકલ્પ સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકભાગીદારીથી વૃક્ષારોપણ અને રોપાઓના જતન પર ભાર.

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન

વડોદરા | વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના વડોદરા પ્રવાસના અનુસંધાને જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી વાતાવરણ ઊભું કરવાના હેતુથી ફોરેસ્ટ વિભાગ દ્વારા અંદાજે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ સરકારી જમીનો, રસ્તાની આસપાસના વિસ્તારો, શાળા-આંગણવાડી પરિસરો, તળાવો તથા જળાશયોની આસપાસ અને અન્ય યોગ્ય સ્થળોએ વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક જરૂરિયાત અને સ્થળની અનુકૂળતા મુજબ વૃક્ષારોપણ કરી ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી. 

વૃક્ષારોપણ સાથે વાવેતર કરાયેલા રોપાઓના જતન અને સંરક્ષણને પણ અભિયાનમાં મહત્વ આપવામાં આવ્યું હતું. રોપાઓને નિયમિત પાણી મળી રહે તેમજ તેમનો યોગ્ય રીતે ઉછેર થાય તે માટે પાણી વ્યવસ્થા અને સંભાળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવેલા વૃક્ષોનું જતન સુનિશ્ચિત કરીને લાંબા ગાળે હરિયાળીનું સંવર્ધન થાય તે દિશામાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રામ પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામજનોના સહયોગથી વૃક્ષારોપણ અભિયાનને લોકભાગીદારી સાથે જોડવામાં આવ્યું હતું. વૃક્ષોના સંરક્ષણ, ઉછેર અને પર્યાવરણ જાળવણી અંગે ગ્રામજનોમાં જનજાગૃતિ કેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રીતે વૃક્ષારોપણને માત્ર વાવેતર પૂરતું સીમિત ન રાખી તેના જતનને પણ સામૂહિક જવાબદારી સાથે જોડવામાં આવ્યું હતું.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી વધારવા સાથે પર્યાવરણીય સંતુલન જાળવવાનો, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવાનો તથા ભાવિ પેઢી માટે વધુ સારા પર્યાવરણનું નિર્માણ કરવાનો હતો. વૃક્ષારોપણ અને તેના જતન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના પર્યાવરણને વધુ સમૃદ્ધ અને સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. 

સમગ્ર અભિયાન દ્વારા વૃક્ષ વાવો – વૃક્ષ બચાવો અને હરિયાળું વડોદરા બનાવો’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસના અનુસંધાને યોજાયેલા આ વિશેષ સેવા અભિયાનથી સ્વચ્છતા, હરિયાળી, પર્યાવરણ સંરક્ષણ અને લોકભાગીદારીનો સંદેશ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર