અમદાવાદ / નર્મદા / ભરૂચ / વડોદરા / ગુજરાત | અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે બે યુવાનોના નશીલા પદાર્થને કારણે મોત થયા હોવાની વાત મીડિયાના માધ્યમથી જાણવા મળી હતી. તે મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી પિયુષ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાજેતરમાં ભરૂચમાં જે દારૂ પહોંચી રહ્યો છે, એ મહારાષ્ટ્રની બોર્ડર થઈને સાગબારા થઈને નર્મદા જિલ્લામાં દારૂ પહોંચે છે, અને એ ત્યાંથી વડોદરા જિલ્લામાં પણ પહોંચે છે, ભરૂચમાં પણ ખૂબ જ મોટી માત્રામાં દારૂ આવી રહ્યો છે. આમ તો પકડાય છે 10-15 લાખનો દારૂ પરંતુ કુલ વેચાય છે કેટલો તેના આંકડા બહાર પાડવામાં આવતા નથી એટલે કે દારૂબંધીનું નાટક ભાજપની સરકારમાં ફક્ત કાગળ પર ચાલી રહ્યું છે. પોલીસના પગાર પણ એમાંથી નીકળતા હોય એવું દેખાઈ રહ્યું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ કાયનાત અન્સારી આથાએ કચ્છ ખાતે પણ દારૂબંધી મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને દારૂની પોટલીઓ ભરીને તેઓ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ દુઃખદ બાબત એ છે કે પોલીસે ઉલ્ટાનું કાયનાતબેન અન્સારી પર જ કેસ દાખલ કરી દીધો. આનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ હકીકત છુપાવવા માંગે છે અને હાલ જે ઘટના ઘટી રહી છે એ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે એક બે વર્ષનું બાળક પિતાવિહોણું થયું છે. આવી ઘટનાને આમ આદમી પાર્ટી ખૂબ જ ગંભીરતાથી લઇ રહી છે. અમે આ મુદ્દે પ્રદેશની ટીમ સાથે પણ વાત કરી છે અને આગામી સમયમાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે જનતા રેડ પણ કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત