અમદાવાદ /દેવભૂમિ દ્વારકા / ગુજરાત | આમ આદમી પાર્ટીના ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂભાઈ કંડોરિયાના નામાંકન નિમિત્તે નામાંકન સભા તથા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ’આપ’ ના ઉમેદવાર વિરુભાઈ કંડોરિયા સહિત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આગેવાનો બળદગાડાંમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ’આપ’ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ખેડૂતોના લડવૈયા વીરૂભાઈ કંડોરિયા (આહીર)એ આજે ફોર્મ ભર્યું છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો આ ચૂંટણી લડી રહ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દુષ્કાળ જાહેર ન કરીને ખેડૂતોને પીડિત કરવામાં આવ્યા, તેમના ખેતરોમાં થાંભલાઓ નાખવામાં આવ્યા, બેફામપણે પોલીસનો દૂરૂપયોગ કરવામાં આવ્યો, આટલો અત્યાચાર કરનાર ભાજપ યેનકેન પ્રકારે ફરીથી ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. પરંતુ હવે આ લડાઈ ખેડૂતોની છે તો ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જ્યાં જ્યાં તમારી સાથે અન્યાય થયો હોય, જેમ કે દુષ્કાળ જાહેર ન કરવામાં આવ્યો હોય, નાણાંની સહાય આપવામાં ન આવી હોય, પાક વીમો આપવામાં ન આવ્યો હોય, બિયારણના નાણાં ન આપવામાં આવ્યા હોય, તમારા ખેતરોમાં ભાડેથી પોલીસ મોકલીને બેફામપણે થાંભલા નાખવામાં આવ્યા હોય અને તમારા પર અત્યાચાર કરવામાં આવ્યો હોય તો હવે આ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે, બધા ખેડૂતો એક થઈને ભાજપને જવાબ આપે. થાંભલાના મુદ્દે, પાણીના મુદ્દે, સિંચાઈના મુદ્દે, દુષ્કાળ મુદ્દે સહીત અનેક મુદ્દા પર ખેડૂતો માટે અડધી રાત્રે પણ મદદ કરનાર અને વર્ષોથી ખેડૂતો માટે લડનાર વીરુભાઈને માટે ઝાડુંનું બટન દબાવી તેમને વિજયી બનાવે એવી તમામ ખેડૂતોને અને લોકોને અપીલ કરું છું.
આમ આદમી પાર્ટી ગુજરાત