અમદાવાદ / નર્મદા / ગાંધીનગર | નર્મદા જિલ્લાના સાતબારાના ખોપી ખાતે આદિવાસી ખેડૂતોના વન અધિકાર અને જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓ અંગે યોજાયેલી જાહેર સભા અને સત્યાગ્રહ આંદોલન દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ ખેડૂતોને સંબોધિત કર્યા હતા. વર્ષાબેન વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં ખેતીની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સરકારી મંત્રીઓ પહેલા જમીન ખેડવાની પરમિશન આપી જાય છે અને બીજા જ દિવસથી ખેડૂતો ખેતર ખેડવા જાય ત્યારે જંગલ ખાતું તેમને રોકે છે. ખેડૂતો અને જંગલ જમીનના હક માટે સતત અવાજ ઉઠાવનારા આપણા લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને સરકારે જેલમાં ધકેલી દીધા છે અને તેમના પરિવારને એકલા પાડવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ અમે હિંમત હાર્યા વગર લોકો માટે લડાઈ લડી રહ્યા છીએ. તેમણે સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવો, લીડરો અને કાર્યકરોને અપીલ કરી હતી કે ભોળા આદિવાસી ખેડૂતો સરકાર સામે સીધા બોલી શકતા નથી, તેથી સત્યની આ લડાઈમાં ખેડૂતોને એકલા ન પાડતા. જરૂર પડે ગાંધીનગર આંદોલન કરવું પડે તો પણ સૌ સાથ-સહકાર આપે, અને આદિવાસી સમાજ તથા આગેવાનોની બાંહેધરી સાથે જંગલ જમીનની આ લડત મજબૂતીથી આગળ વધશે.
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી ખોપી તેમજ આસપાસના ૧૨ ગામોના ખેડૂતો જંગલ જમીનના ન્યાય માટે સતત આંદોલન કરી રહ્યા છે, જેમાં મહિલા આગેવાન લીલાબેન વસાવાનો મોટો ફાળો રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં ખોપી ગામના સાતબારા અને ઉમરપાડાના ખેડૂતોએ સાથે મળીને ખેતી કરી હતી, પરંતુ વર્તમાન સમયે ઉમરપાડાના ખેડૂતોને ખેડવા દેવાય છે અને સાતબારાના ખેડૂતોને અટકાવી અન્યાય કરવામાં આવે છે. મંત્રીઓ આવીને માત્ર બાંહેધરી આપી ગયા પણ હજુ સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી અને જમીન ખેડવા જતાં વન વિભાગ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે. આદિવાસી સમાજ ખેતીપ્રધાન છે અને તેમનું સમગ્ર જીવન આ પાક પર નિર્ભર છે, ત્યારે આટલા સમયથી ખેતી ન કરવા દેવાતાં ખેડૂતોનું જીવનધોરણ ચલાવવું મુશ્કેલ બન્યું છે. લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ પ્રશ્ન ઉઠાવતા જ ખોટી સરકારે તેમને જેલમાં પૂર્યા છે, પરંતુ જ્યાં સુધી તમામ પેન્ડિંગ અરજીઓનો નિર્ણય નહીં આવે અને ખેડૂતોને જમીનના હક નહીં મળે ત્યાં સુધી અમે ખોપી ગામના ખેડૂતોની સાથે અડીખમ ઊભા રહીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત