અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ તેમજ જામખંભાળિયા અને અન્ય જગ્યાઓએ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારો પસંદ કરીને ચૂંટણી લડવામાં આવી રહી છે. આ સમય ભાજપ સામે તમારી નારાજગી વ્યક્ત કરવાનો અને તમારા પર થયેલા અત્યાચારોનો જવાબ આપવાનો છે. આપણા ખેતરોમાં જબરદસ્તી વીજળીના થાંભલા નાખવામાં આવે છે, છતાં ભાજપનો એક પણ નેતા ખેડૂતોના દુઃખ-દર્દમાં તેમની સાથે ઊભો રહેતો નથી કે બોલતો નથી. આ સમય જનતાની એકતા બતાવવાનો, મજૂરો અને બાકીના લોકોનું અસ્તિત્વ બચાવવાનો તથા દુષ્કાળ જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન રહેનારા ભાજપના સત્તાધીશ નેતાઓને મત દ્વારા જડબાતોડ જવાબ આપવાનો છે.
ચૂંટણી સમયે જ્ઞાતિ, જાતિ, ધર્મના નામે વોટ લેવાના પ્રયાસો કરવામાં આવશે, પરંતુ આ બધી વાતોથી આગળ આવીને જાગૃત થવાનો આ સમય છે. જો આ ચૂંટણીમાં ફરીથી ભાજપ જીતી જશે તો તેઓ એવું જ સમજશે કે જનતાને કોઈ પીડા જ નથી. તેઓ માને છે કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ ન આપીએ, ચીસો પાડવા છતાં પીવાનું પાણી કે ઘાસચારો ન આપીએ તો પણ ખેડૂતો અને જનતા ભાજપને જ મત આપે છે. તેથી મહેરબાની કરીને આ બધી ચાલ સમજો. સ્થાનિક સ્વરાજ્યની આ તમામ ચૂંટણીઓમાં ભાજપને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે મતદાન કરીને તમારી નારાજગી દર્શાવશો. માટે સૌ જાગૃત રહીને યોગ્ય નિર્ણય લો.