અમદાવાદ / ગુજરાત : ગતરોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ડ્રેનેજ લાઇનનું કામ કરાવવા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ડ્રેનેજ લાઇનમાં ત્રણ હાઉસકીપિંગ કર્મચારીઓને યોગ્ય સલામતીના સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા, જ્યારે આ પ્રકારનું કામ તેમની ફરજમાં પણ આવતું નથી. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ગંભીર ઘટનાને લઈને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય તથા વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, AAPના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર તેમજ આમ આદમી પાર્ટીના ભરત પ્રજાપતિ, જગદીશ વણઝારા, ગુલામ ફરીદ, ઝુબેરભાઈ અને હર્ષિલ પ્રજાપતિ સહિત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા અને મૃતક માટે ન્યાયની માંગણી કરી હતી.
આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, આજે અમે યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. અમદાવાદની અંદર આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. ગઈકાલે રાત્રે અમારી પાર્ટીની 'હોસ્પિટલ કેર કમિટી'ના પ્રમુખ વિનોદ પરમારને ધ્યાને આવ્યું હતું કે, યુ.એન. મહેતા હોસ્પિટલની અંદર ગટરની ટાંકી સફાઈ કરવા માટે ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ઝેરી ગેસ અથવા અન્ય કારણોસર તેમનો જીવ જોખમમાં મુકાયો છે અને તેમને તાત્કાલિક ઇમરજન્સીમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અત્યંત ગંભીર (ક્રિટિકલ) છે. ગઈકાલ રાતથી જ આમ આદમી પાર્ટીની ટીમ સતત સવાર સુધી આ સફાઈ કર્મચારીઓ સાથે ઊભી છે, જેથી તેમના પરિવારને ન્યાય મળે અને દર્દીઓનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય. તેઓ આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવે તે માટે આમ આદમી પાર્ટીની ટીમે તમામ શક્ય સહકાર આપ્યો છે. આજે હું પોતે અહીં મુલાકાતે આવ્યો ત્યારે ડીસીપી (DCP) સાહેબ સાથે પણ મારી ચર્ચા થઈ અને મેં તેમને આ અંગે રજૂઆત કરી છે. જ્યારે અમે ભોગ બનનાર કર્મચારીઓના પરિવારને મળ્યા, ત્યારે જાણવા મળ્યું કે માત્ર કોન્ટ્રાક્ટ કંપની દ્વારા જ નહીં, પરંતુ હોસ્પિટલના અમુક જવાબદાર લોકો દ્વારા પણ સફાઈ કર્મચારીઓ પર દબાણ લાવવામાં આવતું હતું. તેમને એવી ધમકી અપાતી હતી કે “જો તમે ગટરની ટાંકીમાં ઉતરીને સાફ નહીં કરો, તો તમારે નોકરી ગુમાવવી પડશે.” આજે ડીસીપી સાહેબને મળ્યા ત્યારે તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એફ.આઈ.આર. (FIR) નોંધી લેવામાં આવી છે અને તેમાં અમુક લોકોના નામ પણ સામેલ છે. અમે પીડિતોની જે પણ રજૂઆતો સાંભળી હતી, તે તમામ માહિતી પોલીસ સમક્ષ મૂકી છે.
’આપ’ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે બીજી મહત્વની વસ્તુ એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં અત્યાર સુધી હોસ્પિટલનો કોઈ એવો જવાબદાર અધિકારી હાજર નથી જે આ ઘટનાની જવાબદારી સ્વીકારી શકે. ભોગ બનનારના પરિવારોને કોઈ એ પણ જણાવતું નથી કે અત્યારે દર્દીઓની સ્થિતિ કેવી છે. આજે અમે તપાસ કરવા નીચે ગયા તો ત્યાં એસ.એમ.જી. (SMG) કોન્ટ્રાક્ટ કંપનીના કોઈ માણસો નહોતા, આર.એમ.ઓ. (RMO) પણ મળ્યા નથી અને આ વિસ્તારના ધારાસભ્ય પણ હજી સુધી લોકોની વચ્ચે દેખાયા નથી. અમે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે, ઊંચામાં ઊંચા કે મોટામાં મોટા ડૉક્ટર/સર્જનના જીવની જે કિંમત હોય છે, એવી જ કિંમત ગટરની અંદર કામ કરતા એક સામાન્ય કર્મચારીના જીવની પણ હોવી જોઈએ. આજે અમે કોઈ રાજનીતિ કરવા નથી માંગતા, પરંતુ આ ઘટનામાંથી સબક લઈને એવો કડક દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં બીજા કોઈ પણ કર્મચારીને આવી રીતે કામ કરતા ડર ન લાગે. કોઈપણ પ્રકારની સુરક્ષા કે સેફ્ટીના સાધનો વગર આ લોકોને અંદર ઉતારવામાં આવ્યા, જેને કારણે 20-22 વર્ષના યુવાન મૃત્યુ પામે અને આમાંથી એક વ્યક્તિની પુત્રી તો હજી ખૂબ નાની છે, આજે તેમના પરિવારનું અને તેમના જીવનનિર્વાહનું શું? સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના માણસો પ્રત્યે આટલી ઉદાસીન કેમ છે? આજે અમે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જવાબદાર લોકો પછી ભલે તે કોન્ટ્રાક્ટ કંપનીના હોય કે હોસ્પિટલના, તમામ સામે કાયદેસરના કડક પગલાં લેવાય. સ્થાનિક ધારાસભ્ય અહીં આવે, પીડિતોના પરિવારને મળે અને તેમની માંગણીઓ સાંભળે. છેલ્લા 10000 - 12000ના પગારમાં કામ કરતા લોકોનું આ રીતે થતું શોષણ હવે બંધ થવું જોઈએ. અમે પીડિતો માટે ન્યાયની અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત