અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવારો અને સંભવિત ઉમેદવારો દ્વારા સોમવારના રોજ આખા દિવસ દરમિયાન વોર્ડ નં 9ના વિભાગ 1/2, સેક્ટર 2/A અને વોર્ડ નં 3, વોર્ડ નં 10 સહિત ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટીના ઘોષણાપત્ર વિશે માહિતી આપવામાં આવી. આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં ચૂંટાયા બાદ શિક્ષા વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચિકિત્સા, રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, સાંસ્કૃતિક, રમતગમત, વાહન વ્યવહાર, પાર્કિંગ, પર્યાવરણ સહિત જે મુદ્દાઓ પર કામ કરશે તે તમામ વિશે ગાંધીનગરના લોકોને માહિતી આપવામાં આવી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા પરમાર, મેહુલભાઈ શ્રીમાળી, વિવેકભાઈ પટેલ, ભરત જોશી સહિત કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાઅધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ગાંધીનગરની સ્થિતિ વિશે લોકોને જણાવ્યું હતું કે, જો આપણે છેલ્લાં પાંચ વર્ષના કામકાજને જોઈએ તો ત્રણ મુખ્ય બાબતો સામે આવે છે, જેમાં મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક જવાબદારીઓ અને સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે. પ્રથમ, મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે અને લોકો ઘરે-ઘરે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે મોટા પાયે રોગચાળો ફેલાયો છે અને શહેરના ઘણા લોકો બીમારીમાં સપડાયા હતા. આમ છતાં, આ સરકાર કે મનપાના પ્રમુખ - મેયર રાજીનામું આપવા તૈયાર નથી, કોઈ તપાસ કરાવવામાં આવતી નથી કે જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગાંધીનગર દુનિયાની સૌથી ગ્રીન કેપિટલ (હરિયાળી રાજધાની) તરીકે ઓળખાતું હતું, પરંતુ વિકાસની આંધળી દોડમાં આડેધડ વૃક્ષો કાપીને હરિયાળી છીનવી લેવામાં આવી છે અને તેની સામે નવું વાવેતર કરવામાં આવતું નથી. જેના કારણે ગાંધીનગર તેની ગ્રીન સીટી તરીકેની ઓળખ ગુમાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરીકે અમારો પ્રયાસ રહેશે કે લોકોને પીવાનું શુદ્ધ જળ, યોગ્ય ગટર યોજના અને તમામ મૂળભૂત સુવિધાઓ મક્કમતાથી મળી રહે.