મુખ્ય સામગ્રી પર જાઓ

માંગરોળમાં ખેડૂતોને ગાળો આપવાના મુદ્દે ’આપ’ નેતા પ્રવીણ રામે ધારાસભ્ય પાસે જાહેર માફીની માંગ કરી

ધારાસભ્ય દારૂના અડ્ડાઓ પર ક્યારે 'રૂટિન' ગાળો બોલવા જશે તેનો સમય આપે તેવા પડકાર સાથે પ્રવીણ રામના આકરા પ્રહાર.

માંગરોળમાં ખેડૂતોને ગાળો આપવાના મુદ્દે ’આપ’ નેતા પ્રવીણ રામે ધારાસભ્ય પાસે જાહેર માફીની માંગ કરી

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે વીડિયોના માધ્યમથી શાસક પક્ષના ધારાસભ્યને આડે હાથ લેતા જણાવ્યું કે, માંગરોળમાં ’આપ’ ના નેતા પિયુષભાઈ પરમારે તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે જે પૂલ બનાવડાવ્યો હતો, તેને તોડવા માટે ધારાસભ્ય આખા સરકારી તંત્રને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર ખેડૂતોને ગાળો આપી હતી. પૂલ બનાવવાની વાત બાજુ પર રહી ગઈ અને તેઓ પૂલ તોડવા પહોંચી ગયા હતા. આ ઘટના બાદ જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ધારાસભ્યએ બેફામ રીતે એવો જવાબ આપ્યો કે "આ તો મારા વિસ્તારની રૂટિન ભાષા છે". ગુજરાતની સંસ્કારી ધરામાં જનપ્રતિનિધિઓ દ્વારા આવી ભાષાનો ઉપયોગ થાય તે દુઃખદ છે. જો કે, દબંગગીરી અને ગાળો આપવી એ જ હવે આ પક્ષની સંસ્કૃતિ અને ભ્રષ્ટ નીતિ બની ગઈ છે.

’આપ’ નેતા પ્રવીણ રામે ધારાસભ્યને સીધા બે સવાલો પૂછીને સખત માંગણીઓ કરી છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો ગાળો બોલવી તમારા માટે 'રૂટિન' હોય, તો તમારા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા અને બેફામ બનેલા ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પથ્થરની ખાણો પર તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને સાથે રાખીને 'રૂટિન' ગાળો બોલવા જવાના છો? તેનો સમય અને તારીખ જાહેર કરો જેથી અમે પણ તમને સપોર્ટ કરવા આવી શકીએ. ગુજરાતના ખેડૂતો માટે લાલ આંખ અને દારૂ-ખનીજ માફિયાઓ સામે આંખ આડા કાન કરવાની આવી બેવડી નીતિ નહીં ચાલે. ધારાસભ્ય કાં તો માફિયાઓ સામે કાર્યવાહી કરે અથવા ગુજરાતના ખેડૂતોની જાહેરમાં માફી માંગે, અન્યથા આવનારી ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતો તેમને જડબાતોડ જવાબ આપશે.

Tags: Gujarat farmers insult news Mangrol MLA controversy Pravin Ram AAP Gujarat AAP Kisan Morcha Gujarat

સંબંધિત સમાચાર