રાજપીપલા : નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૭ અંતર્ગત મતદાન મથકોના પુનર્ગઠન અંગે જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહી મતદાન મથકોના પુનર્ગઠન અંગે ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચેતન સુથારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૭ અંતર્ગત હાથ ધરાનારી મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી, તેની પ્રક્રિયા તેમજ તારીખવાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાથમિક સુધારા દરખાસ્ત, મતદાન મથકોના પુનર્ગઠન માટેના માપદંડો તથા આગામી કામગીરી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓએ પ્રાથમિક સુધારા દરખાસ્તના સંદર્ભમાં વિવિધ મતદાન મથકો અંગે પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘે તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેમજ મતદારયાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને પારદર્શક બનાવવા સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં ચૂંટણી નોંધણી અધિકારીશ્રી અને નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, ચૂંટણી નોંધણી અધિકારીશ્રી અને દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.