મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદામાં RTEનો સફળ અમલ: 44 ખાનગી શાળાઓમાં 267 બાળકો મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત શિક્ષણ

નર્મદા જિલ્લામાં RTE-2009 કાયદાના અસરકારક અમલીકરણ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ખાનગી શાળાના દ્વાર ખૂલ્યા છે. ચાલુ વર્ષે (2026-27) જિલ્લાની 44 ખાનગી શાળાઓમાં કુલ 267 બાળકો ધોરણ-1 માં પ્રવેશ મેળવી શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.

નર્મદામાં RTEનો સફળ અમલ: 44 ખાનગી શાળાઓમાં 267 બાળકો મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત શિક્ષણ

રાજપીપળા :  શિક્ષણનો દરેક બાળકને બંધારણીય અધિકાર છે. આ અધિકાર માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દરેક બાળક સુધી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ (Right to Education Act-RTE) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ૬ થી ૧૪ વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સાથે ખાનગી શાળાઓમાં ધોરણ-૧ માં ગરીબ  આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં પણ આ યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો ગરીબ  પરિવારો માટે આર્થિક રીતે મુશ્કેલ બની રહે છે. પરંતુ RTE યોજના દ્વારા આવા પરિવારોના બાળકો હવે ગુણવત્તાયુક્ત ખાનગી શિક્ષણ મેળવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ખાનગી  ૪૪ જેટલી શાળાઓમાં ૨૬૭ બાળકો RTE યોજનાનો લાભ લઇ ભણી રહ્યા છે જેમાં  નર્મદા પોદાર લર્ન સ્કૂલ, ભદામ ખાતે હાલમાં 28 વિદ્યાર્થીઓ RTE હેઠળ નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે.

આ વિદ્યાર્થીઓને માત્ર વર્ગખંડનું શિક્ષણ જ નહીં પરંતુ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતની આધુનિક સુવિધાઓ, પુસ્તકાલય તેમજ વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનો પણ સમાન લાભ મળી રહ્યો છે. શાળામાં અન્ય વિદ્યાર્થીઓની જેમ જ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સમાન સન્માન, સમાન તક અને સમાન શિક્ષણ આપવામાં આવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના અભિગમ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. RTE યોજના એ તેમાંની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ શિક્ષણમાં અવરોધ બની રહી નથી.

 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત સત્યપ્રિય દવેએ જણાવ્યું કે ,નર્મદા જિલ્લામાં ૨૦૨૬-૨૭ના ચાલુ વર્ષે ત્રીજા રાઉન્ડમાં RTE હેઠળ ૪૪ જેટલી ખાનગી શાળાઓમાં ૨૬૭ જેટલા બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ છે. અને આગળ વધુમાં પ્રવેશ રાઉન્ડ થયેથી અન્ય બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

  

નર્મદા પોદાર લર્ન સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દિવ્યરાજસિંહ ઘરીયાએ જણાવ્યું હતું કે, "અમારી શાળામાં RTE હેઠળ ધોરણ ૧ થી ૫ માં કુલ-૨૮ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.અને તમામ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની જેમ જ સમાન શિક્ષણ, સમાન સુવિધાઓ અને સમાન તકો આપવામાં આવે છે. શિક્ષણમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. બાળકોનો સર્વાંગી વિકાસ એ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

RTE હેઠળ અભ્યાસ કરતી કુમારી હિર વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અમારી શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતની આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. જેથી અમે ખૂબ ઉત્સાહથી શિક્ષણ મેળવીએ છીએ. સાથેસાથે અમારી શાળામાં પુસ્તકાલય પણ આવેલી તેમાં અલગ-અલગ પુસ્તકો વાંચીને અમારા જ્ઞાનમાં વધારો કરીએ છે. 

નર્મદા જિલ્લામાં RTE યોજનાનો સફળ અમલ એ દર્શાવે છે કે સરકારની શિક્ષણલક્ષી નીતિઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી રહ્યો છે. આ યોજના દ્વારા હજારો બાળકોના જીવનમાં નવી આશા જાગી છે અને તેમના સપનાઓને નવી ઉડાન મળી રહી છે. શિક્ષણ એ જ વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને RTE જેવી યોજનાઓ દ્વારા દરેક બાળકને સમાન તક આપવાનો સરકારનો સંકલ્પ વધુ મજબૂત બની રહ્યો છે. આજે ગરીબ પરિવારના બાળકો ખાનગી શાળામાં આત્મવિશ્વાસપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે, જે શિક્ષણમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. 

Tags: નર્મદા જિલ્લા શિક્ષણ RTE પ્રવેશ RTE Act 2009 નિઃશુલ્ક શિક્ષણ શિક્ષણનો અધિકાર

સંબંધિત સમાચાર