અમદાવાદ/ સુરત/ ગુજરાત : સુરતમાં દૂષિત પાણીના સેમ્પલ ફેઇલ જતા આમ આદમી પાર્ટી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં દિવસેને દિવસે સ્થિતિ બગડતી રહી છે. દૂષિત પાણીના 4600થી વધુ સેમ્પલ ફેઇલ ગયા છે. બીજી બાજુ 30 વર્ષથી ફાંકા ફોજદારી કરતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કે જેમની મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્રિપલ એન્જિનની સરકાર છે તેની ’નલ સે જલ’ યોજનામાં નામ મોટા અને કામ ખોટા’ તેવી સ્થિતિ છે. મોટી મોટી યોજનાઓ લાવી પરંતુ મહાનગરપાલિકા માંડ બે થી ત્રણ કલાક પાણી આપે છે અને આ ત્રણ કલાક પાણીમાં પણ ચોખ્ખું પાણી મહાનગરપાલિકા આપી શકતી નથી. સુરતના લોકો બીમાર થાય, રોગચાળો ફાટી નીકળે પરંતુ શાસકોને કંઈ જ ચિંતા ન હોય તેમ મેયર અત્યારે ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા માટે ગયા છે. સુરત શહેરના લોકો બીમાર ન પડે, સારું પાણી આપી શકાય તે માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે કે ક્રિકેટ રમવું જરૂરી છે, એ જ સમજાતું નથી. સુરતમાં હાલમાં 4600 થી વધુ જેટલા પાણીના સેમ્પલ ફેઇલ ગયા છે તેવા સમાચાર છે. જેટલા લોકોએ ગંદુ પાણી પીધું હશે તેની શું હાલત હશે? લોકો બીમાર પડે તેના માટે જવાબદાર કોણ ? સૌથી વધારે ગંદા પાણીનો રેકોર્ડ બ્રેક કરતો વિસ્તાર લિંબાયત છે. એક વર્ષમાં લિંબાયતમાં 1187 જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે કે જ્યાં કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ તમામ ભાજપના છે. સેન્ટ્રલ ઝોનમાં 1098, ઉધના ઝોનમાં 1016 ગંદા પાણીની ફરિયાદ નોંધાઇ છે જે પણ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકામાં ઘણા બધા પ્રકારની કામગીરી ચાલી રહી છે, આખા સુરતમાં મેટ્રોને લઈને બેફામ રોડ ખોદવામાં આવી રહ્યા છે. મેટ્રોની બેફામ અને બેરોકટોક કામગીરીને કારણે ગટરની લાઈનો તૂટી રહી છે, તેનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે, પરંતુ કોઈને કંઈ ફરક પડતો નથી. બેફામ ખોદાણના કારણે લોકો પાણી વગર રહ્યા અને લોકો ગંદુ પાણી પીવા મજબૂર થયા છે. ટ્રિપલ એન્જિન માત્ર બોલવામાં અને ફાંકા ફોજદારીમાં સારું લાગે છે, પરંતુ ના તો સુરત મહાનગરપાલિકાના શાસકો બોલી રહ્યા છે કે ન ધારાસભ્ય બોલી રહ્યા છે. બેફામ ખોદાણની કામગીરીને કારણે સુરત શહેરની જનતા પીસાઈ રહી છે. જેમ ઈન્દોરમાં ગંદુ પાણી પીવાથી અનેક લોકો મૃત્યુ પામ્યા તો સુરતમાં શું આ ઘટનાની રાહ જોવાઈ રહી છે ? આટલા બધા પાણીના સેમ્પલ ફેઇલ ગયા પરંતુ શાસકોને હજુ પણ ચિંતા નથી. મેયર અને શાસકોને લોકોના સ્વાસ્થ્ય સાથે કંઈ લેવા દેવા નથી. ગંદુ પાણી આપીને લોકો બીમાર પડે, રોગચાળો ફાટી નીકળે પરંતુ શાસકો તો એમ જ કહે છે કે અમે તો મેચ રમવા જવાના. વિપક્ષ નેતા તરીકે કહેવા માગું છું કે તમને લોકોને શરમ આવવી જોઈએ. લોકોએ તમને પીવા માટે સારું પાણી અને સારુ સ્વાસ્થ્ય મળે તે માટે મત આપ્યા છે નહીં કે ક્રિકેટ રમવા માટે.
આમ આદમી પાર્ટી ગુજરાત


