અમદાવાદ / જુનાગઢ / ગુજરાત | આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. તો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ મહત્વપૂર્ણ દિવસે તમામ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. ઘણા લોકોને સવાલ થતો હોય છે કે અમારે રાજકારણ સાથે શું લેવા દેવા? પરંતુ તમે જોશો કે ઘણા અમીર લોકો જેમ કે અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન, સની દેઓલ, કંગના રનૌત જેવા અનેક લોકો ખૂબ જ સફળ થયા બાદ અને અબજો રૂપિયા કમાયા બાદ પણ રાજકારણમાં આવતા હોય છે, તો જેની પાસે પૈસા ના હોય એ લોકોએ તો રાજકારણમાં ધ્યાન આપવું જરૂરી જ હોય છે કારણ કે તમે રાજકારણમાં ધ્યાન નહીં આપો તો તમારા ઉપર નબળા લોકોનું શાસન આવી જશે. તો રાજ્યમાં 16મું નાણાપંચ લાગુ થયું છે અને સરકારે આ અંતર્ગત નક્કી કર્યું છે કે દરેક ગામમાં માથાદીઠ 550 રૂપિયાની સહાય ભારત સરકાર ગુજરાતના તમામ ગામડાઓને આપશે. તો ગામ પ્રમાણે ક્યાંક 20 લાખ, ક્યાંક 25 લાખ તો ક્યાંક 50 લાખ જેવી રકમ સીધી ગ્રામ પંચાયતના ખાતામાં આવશે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, તમારા ગામમાં જે આ પૈસા આવવાના છે એ પૈસા ક્યાં વપરાશે એનું આયોજન 2 ઓક્ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતમાં થશે. ત્યાં મિટિંગમાં બતાવવામાં આવશે કે શ્મશાનમાં કેટલા રૂપિયા વપરાશે, પેવર બ્લોકમાં કેટલા વપરાશે, ગટર વ્યવસ્થામાં કેટલા વપરાશે, તો આ રીતનો તમામ હિસાબ 2 ઓક્ટોબર રોજ રજૂ થશે. તમે તમારા ગામની ગ્રામ પંચાયતમાં રસ નહીં લો તો કરોડો રૂપિયા વેડફાય જવાના છે. તો બે ઓક્ટોબરના રોજ સવારે અલગ અલગ સમય પ્રમાણે ગ્રામ પંચાયત યોજાશે અને એની માહિતી તલાટી કમ મંત્રી અને સરપંચ પાસે હશે. તો તમારા ગામમાં આવનારા 20 લાખ કે 50 લાખની રકમ લોકોના કામમાં વપરાશે કે કોઈના ખિસ્સામાં વપરાશે, એ તમને ખબર નહીં પડે જો તમે આ ગ્રામ સભામાં જશો નહીં. માટે મારી તમામ લોકોને વિનંતી છે કે તમારા ગામમાં આયોજિત ગ્રામસભામાં તમે રસ લો અને 16મા નાણાપંચના પૈસા વપરાય છે તેમાં ધ્યાન આપજો.