મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ-રણુજ રૂપાંતરિત બ્રોડગેજ સેક્શન હવે પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી બેચરાજી અને સાંખલપુર જેવા વિસ્તારોના મુસાફરો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રેલવે સંરક્ષા કમિશનર (સીઆરએસ) વેસ્ટર્ન સર્કલ, શ્રી ઇ. શ્રીનિવાસ એ કટોસણ રોડ-રણુજ બ્રૉડ ગેજ રેલવે સેક્શન પર યાત્રી રેલવે સેવાઓ સેટ કરવા માટે સંરક્ષા મંજૂરી આપી દીધી છે.

આ નવ-પરિવર્તિત બ્રૉડ ગેજ રેલવે સેક્શન કટોસણ રોડ-રણુજ ગેજ પરિવર્તન પરિયોજના (મીટર ગેજથી બ્રૉડ ગેજ) નો એક ભાગ છે, આ પ્રોજેક્ટની લંબાઈ લગભગ 63 કિમી છે. આ પરિયોજના પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોને સુરક્ષિત, ઝડપી અને આધુનિક રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર  શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું હતું કે, કટોસણ રોડ-રણુજ બ્રૉડ ગેજ રેલવે સેક્શનને રેલવે સંરક્ષા કમિશનર તરફથી યાત્રી સેવાઓનું સંચાલન કરવાની મંજૂરી મળવી એ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે કહ્યું કે આ પરિયોજના આ વિસ્તારના લાખો યાત્રીઓ, ખાસ કરીને બેચરાજી, શંખલપુર અને આસપાસના વિસ્તારોના લોકો માટે સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક રેલવે યાત્રાનો નવો અધ્યાય આરંભ કરશે. પશ્ચિમ રેલવે સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક રેલવે સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે આ પરિયોજના સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને બાંધકામ એજન્સીઓના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રેલવે સેક્શન પર નિયમિત યાત્રી સેવાઓ ટૂંક સમયમાં શરૂ થવાથી આ વિસ્તારની કનેક્ટિવિટી, પ્રવાસન, વેપાર અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.

રેલવે સંરક્ષા કમિશનર દ્વારા આ રેલવે સેક્શનનું  9, 10 અને 11 જુલાઈ, 2026 ના રોજ વિગતવાર સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન WAP-7 ઇલેક્ટ્રિક રેલવે એન્જિન સાથે ગતિ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેને સફળતાપૂર્વક 120 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી.

નિરીક્ષણ દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા તમામ સુરક્ષા પ્રમાણપત્રો, ટેકનિકલ દસ્તાવેજો અને જરૂરી રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી. તમામ નિર્ધારિત ધોરણો અને કાનૂની જરૂરિયાતોને અનુરૂપ હોવાનું જણાતા, રેલવે સંરક્ષા કમિશનરે આ રેલવે સેક્શન પર જાહેર યાત્રી સેવાઓ ચલાવવાની મંજૂરી આપી દીધી. આ મંજૂરી રેલવે અધિનિયમ, 1989 ની જોગવાઈઓ અનુસાર તમામ જરૂરી સંરક્ષા ઔપચારિકતાઓ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ આપવામાં આવી છે.

મંજૂરી મુજબ મુખ્ય રેલવે લાઇન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ ગતિ 90 કિલોમીટર પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે. લેવલ ક્રોસિંગ ગેટ  નંબર 99A પર હંગામી રૂપે 60 કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ લાઇનો પર 15 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ મર્યાદા લાગુ રહેશે.

રેલવે સંરક્ષા કમિશનર દ્વારા આ મંજૂરી વિવિધ ટેકનિકલ અને ઓપરેશનલ શરતોને આધીન આપવામાં આવી છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ તેમજ યાત્રીઓની સુવિધાઓને લગતા નિર્ધારિત કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા, પૂરતા મેન્ટેનન્સ સ્ટાફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને તમામ નિર્ધારિત સુરક્ષા ઉપાયોનું સંપૂર્ણ પાલન કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, રેલવે સંરક્ષા કમિશનરે એવી પણ મંજૂરી આપી છે કે ભવિષ્યમાં તમામ નિર્ધારિત શરતોના સફળ પાલન, ટ્રેકના સંતોષકારક પ્રદર્શન અને પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર દ્વારા જરૂરી પ્રમાણપત્ર આપ્યા બાદ આ રેલવે સેક્શનની સેક્શનલ ગતિ વધારીને 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી કરી શકાશે.

કટોસણ રોડ-રણુજ બ્રૉડ ગેજ રેલવે સેક્શનનું સંચાલન પશ્ચિમ રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ રેલવે સેક્શન પર યાત્રી સેવાઓ શરૂ થવાથી ઉત્તર ગુજરાત વિસ્તારની રેલવે કનેક્ટિવિટી સિસ્ટમ વધુ મજબૂત બનશે, યાત્રીઓને વધુ સારી, સુરક્ષિત અને ઝડપી રેલવે સેવાઓ ઉપલબ્ધ થશે તેમજ આ વિસ્તારના સામાજિક, ઔદ્યોગિક, પર્યટન અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

Tags: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન ગેજ કન્વર્ઝન Western Railway new train service CRS મંજૂરી Gauge conversion project Gujarat Katosan Road-Ranuj broad gauge section CRS approval rail safety Ahmedabad railway division updates સલામતી નિરીક્ષણ બ્રોડગેજ પ્રોજેક્ટ કટોસણ રોડ-રણુજ પેસેન્જર ટ્રેન બેચરાજી કનેક્ટિવિટી

સંબંધિત સમાચાર