માનનીય સંસદ સભ્ય, મહેસાણા શ્રી હરિભાઈ પટેલે ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આશરે દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સંસદ સભ્ય શ્રી પટેલે તેમના સંસદીય મતવિસ્તારને લગતા રેલવેના વિવિધ જનહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરીને રેલવે પ્રશાસન સમક્ષ મહત્વપૂર્ણ પ્રસ્તાવો અને માંગણીઓ રજૂ કરી હતી.
બેઠક દરમિયાન લેવલ ક્રોસિંગ પર રોડ અંડરબ્રિજ (RUB), ફૂટ ઓવરબ્રિજ (FOB) અને અન્ય વૈકલ્પિક માર્ગોના નિર્માણ, બંધ કરાયેલા ગ્રામીણ સંપર્ક માર્ગોને ફરીથી શરૂ કરવા, ખેડૂતોની તેમના ખેતરો સુધી સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા, રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓનો વિસ્તાર કરવા, સુરક્ષા સંબંધિત કામો તેમજ નવી ટ્રેન સેવાઓ અને ટ્રેનોના સ્ટોપેજ જેવી અનેક જાહેરહિતની માંગણીઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
· મોટી દાઉ (અમદાવાદ–પાલનપુર રેલવે લાઈન): જૂના લેવલ ક્રોસિંગના સ્થાને ખેડૂતો અને ગ્રામજનોની સુવિધા માટે રોડ અંડરબ્રિજ (RUB) બનાવવાની માંગ, લેવલ ક્રોસિંગ નંબર 209 ની નજીક બંધ કરાયેલા જૂના માર્ગને ફરીથી ચાલુ રાખવાની માંગ.
· બાલવા ગામ (વિજાપુર–ગાંધીનગર નવી રેલવે લાઈન): અગાઉ બંધ કરાયેલા અંડરબ્રિજ નંબર 25નું પુનઃનિર્માણ/પુનઃસ્થાપન કરી ખેડૂતોની ખેતરો સુધી પહોંચ સુનિશ્ચિત કરવાની માંગ.
· માણેકપુર–આદરજ મોટી (વિજાપુર બ્રોડગેજ લાઈન): લેવલ ક્રોસિંગ નંબર 27-28 ની વચ્ચે લગભગ 10 મીટરનો માર્ગ ખુલ્લો રાખવાની માંગ, જેથી ખેડૂતો અને ગ્રામજનોની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે.
· કૈયલ–સેઢાવી (અમદાવાદ–મહેસાણા રેલવે લાઈન): લેવલ ક્રોસિંગ નંબર 216 પર રોડ અંડરબ્રિજ બનાવવાની માંગ.
· ઊંઝા (અમદાવાદ–પાલનપુર રેલવે લાઈન ડીએફસીસી કોરિડોર): અંડરબ્રિજ નંબર 198 ની બંને બાજુએ લગાવવામાં આવેલા હાઈ-ગેજ રિટેનિંગ એંગલ્સને કારણે દ્રશ્યતા અવરોધિત થવાની સમસ્યાનો ઉકેલ લાવી સુરક્ષામાં સુધારો કરવાની માંગ, બસ સ્ટેન્ડ તેમજ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે રેલવે લાઈન પર નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવાની દરખાસ્ત.
· આંબલીયાસણ સ્ટેશન (અમદાવાદ–મહેસાણા રેલવે લાઈન): લેવલ ક્રોસિંગ નંબર 213 પર રોડ અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત.
· પીલુદરા (મહેસાણા–તારંગા રેલવે સેક્શન): ખેડૂતોની સુવિધા માટે રેલવે લાઈનને સમાંતર આશરે 500 મીટર લાંબો રોડ બનાવવાની માંગ.
· કૈયલ ગામ–ડાંગરવા–આંબલીયાસણ: રેલવે પરિયોજનાને કારણે બંધ થયેલા ખેતરના માર્ગને ફરી શરૂ કરવા તેમજ કાયમી વૈકલ્પિક માર્ગ પૂરો પાડવા વિનંતી.
· વડનગર રેલવે સ્ટેશન: લેવલ ક્રોસિંગ નંબર 36 ને પહોળો કરવાની અને તેની બંને બાજુએ પૂરતી પહોળાઈનો રસ્તો ઉપલબ્ધ કરાવવાની માંગ.
· ભાંડુ (અમદાવાદ–પાલનપુર રેલવે લાઈન): અંડરબ્રિજ નંબર 946 (કટીપા–જેતલવાસણા માર્ગ) ની બંને બાજુ બંધ કરાયેલા સંપર્ક માર્ગને ફરીથી ખોલવા અને ખેડૂતો માટે રસ્તો ઉપલબ્ધ કરાવવાની માંગ.
· કાંસા ગામ (વિસનગર–મહેસાણા રેલવે લાઈન): લેવલ ક્રોસિંગ નંબર 15 ની નજીક સુરક્ષા દીવાલ માં જરૂરી નિકાસ માર્ગ ઉપલબ્ધ કરાવવાની માંગ.
· સંસારી–નોરતા (મહેસાણા–પાટણ રેલવે લાઈન): લેવલ ક્રોસિંગ નંબર 30C/E2 પર રોડ અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત.
· તંબોડિયાપરા (ખેરાલુ) મહેસાણા–તારંગા હિલ રેલવે સેક્શન: ગામ નજીક લેવલ ક્રોસિંગ અથવા રોડ અંડરબ્રિજ ઉપલબ્ધ કરાવવાની માંગ.
આ ઉપરાંત, સંસદ સભ્ય શ્રી પટેલે રેલવે પરિયોજનાઓને કારણે બંધ થયેલા ગ્રામીણ સંપર્ક માર્ગોના કાયમી ઉકેલ, ખેડૂતોની ખેતરો સુધી સુરક્ષિત અને અવરોધ વિનાની પહોંચ સુનિશ્ચિત કરવા, વિવિધ સ્ટેશનો પર યાત્રીઓની સુવિધાઓનું વિસ્તરણ કરવા, નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા અને મહત્વની ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવા સંબંધિત માંગણીઓ પણ મુખ્ય રીતે રજૂ કરી હતી.
બેઠક દરમિયાન ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશે સંસદ સભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા અને સંબંધિત વિભાગો દ્વારા દરેક વિષયની ટેકનિકલ તપાસ તેમજ વ્યવહારિકતા (ફિઝિબિલિટી) ના આધારે જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની ખાતરી આપી. તેમણે જણાવ્યું હતું કે, રેલવે યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને વિસ્તારના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલા કાર્યોને પ્રાથમિકતા આપીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.