મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત પૂજન-અર્ચન અને પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન-અર્ચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી ભગવાનના મુખ્ય રથને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને  શુભેચ્છાઓ પાઠવી, અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી આજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. પ્રભુ આજે સામે ચાલીને શ્રમિકો, ગરીબો અને સૌ નાગરિકોને આશીર્વાદ તેમજ દર્શન આપી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, જેના માટે ગુજરાત લીડ લેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજી રાજ્યના સૌ નાગરિકોને ઉત્તરોત્તર સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ પ્રભુ સમક્ષ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. આ ભવ્ય રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખડેપગે સેવારત રહેનારા સૌ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ-નાગરિકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ પ્રસંગે ભગવાન જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સ્થાનિક ધારાસભ્યો સર્વશ્રી અમિત શાહ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, શ્રીમતી કંચનબેન રાદડિયા, રાજ્ય પોલીસવડા શ્રી જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત અમદાવાદ રથયાત્રા CM Bhupendra Patel Pahind Vidhi Ahmedabad Rath Yatra 2026 Jagannath Rath Yatra Ahmedabad news Kutch New Year wishes Ashadhi Beej celebration કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ પહિંદ વિધિ રથયાત્રા ૨૦૨૬ જગન્નાથજી મંદિર કોમી એખલાસ

સંબંધિત સમાચાર