અમદાવાદ / કચ્છ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો માલધારી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિમાં છે. જેમ ઉપરથી ઈન્દ્રદેવ નારાજ હોય અને નીચેથી આપણી સરકાર નારાજ હોય, તેમજ કૃષિ મંત્રી પણ નારાજ હોય એવું જોવાઈ રહ્યું છે. ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, તેવી જ રીતે કચ્છમાં માલધારીઓની પરિસ્થિતિ ખૂબ કફોડી થઈ છે. કચ્છ જિલ્લામાં વરસાદ ન આવતા માલધારીઓની હાલત ખરાબ છે. કચ્છના વિસ્તારોમાં આજે માલધારીઓ પોતે ઈચ્છે તો પણ સ્થળાંતર કરી શકે તેમ નથી, કારણ કે તેમનું પશુધન ખૂબ નબળું પડી ગયું છે. માલધારીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે આજે આવશે, કાલે આવશે પણ એવામાં પશુધન નબળું પડી રહ્યું છે. એટલે હું સોશિયલ મીડિયા દ્વારા માનનીય મુખ્યમંત્રી અને પ્રશાસનને કહું છું કે, કચ્છ જિલ્લાના માલધારીઓને તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરી આપવામાં આવે. પાણીની પણ વ્યવસ્થા નથી, તો ટાંકીઓ દ્વારા પાણી પહોંચાડી પશુધનને બચાવવામાં આવે અને પશુઓ માટે ડૉક્ટરોની વ્યવસ્થા કરવામાં આવે. આ પશુધન જ ખેડૂત અને માલધારીઓની આજીવિકા છે.
AAP નેતા કિરણ દેસાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક નિર્ણય કરીને ત્યાં ઘાસ વિતરણ ચાલુ કરી દેવામાં આવે. કચ્છ જિલ્લાના માલધારીઓની સ્થિતિ ખૂબ દુઃખદાયક છે અને મૂંગા પશુધન મરી રહ્યા છે. આપણી પાસે ઘાસચારો પડ્યો હોય અને વરસાદ ન પડવાના કારણે જો પશુઓ ભૂખ્યા મરે, તો એનાથી મોટું પાપ શું હોઈ શકે? એટલે મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ઘાસ વિતરણ કરવામાં આવે, પાણી પહોંચાડવામાં આવે અને ડૉક્ટરોની ટીમ મોકલવામાં આવે. અને આપણે ઈન્દ્રદેવને પણ પ્રાર્થના કરીએ કે તેઓ પોતાના આશીર્વાદ આપે જેથી ખેડૂતો અને માલધારીઓની આજીવિકા બચી શકે.
આમ આદમી પાર્ટી ગુજરાત